ગુરુવાર, 14 જાન્યુઆરી, 2010

રાજશ્રી સિનમા ગૃહ - વડોદરા

એક જમાનામાં વડોદરાના દરેક અંગ્રેજી ફિલ્મી રસિયા માટે એક જ સિનેમા ગૃહ હતું --- રાજશ્રી સિનમા ગૃહ

મને નાનપણથી ચલચિત્રોકે (પિક્ચર ) જોવાનો શોખ છે.
પ્રાથમિકમાં ( ૧ થી ૭ ધોરણ ) સુધીતો સહેજ પણ અંગ્રેજી આવડતું નહોતું માટે માત્ર હિન્દી ચલચિત્રો જોતો હતો. પછી ૮માં ધોરણથી થોડા થોડ અંગ્રેજી પિક્ચરો જોવાના ચાલું કર્યા. અંગ્રેજી બરાબર આવડે નહી, અને તેમાં પણ પરદેશીઓનાં ઉચ્ચાર સમજાય નહીં! પણ મારધાડવાળા પિક્ચરો જોતો એટેલે ગાડું ગબડી જતું.
એમાં એકદમ જ ફેરફાર આવ્યો, કારણકે રાજશ્રી સિનેમા ગૃહમાં અંગ્રેજી ચલચિત્રો હિન્દીમાં આવવા લાગ્યા, એટલે મિત્રોમાં પણ એકદમ ઉત્સાહ વધી ગયો, અને અમે લગભગ દર અઠવાડિયે રાજેશ્રીમાં પિક્ચર જોવા લાગ્યા.

બે પ્રકારની ટિકિટો હતી,૧) અપર અને ૨) બાલ્કની. શનિ-રવિના સવારના કાર્યક્રમ માટે અપરનો ભાવ હતો પાંચ રૂપિયા ! કેટલી બધી વાર કોઇ એક મિત્ર ફોન કરીને કહેતો કે ચાલ કાલે પાંચ રૂપિયામાં પિક્ચર જોઇ આવીએ. અને આખી મિત્રોની ટુકડી તૈયાર થઇ જતી. કોઇ પૂછતું પણ કે નહિ કયું સિનેમા ગૃહ કે કયું પિક્ચર !!

પ રૂપિયા એટલે રાજશ્રી ગૃહ ! આજે શાળનાં બધા મિત્રો વિશ્વભરમાં વિખરાઈ ગયા છે. અને હું પણ હવે ઘણા વર્ષોથી વડોદરામાં રાજશ્રીમાં પિક્ચર જોવા ગયો નથી. મને ખબર નથી પણ રાજશ્રીમાં પિક્ચર જોવાની કાંઇ અલગ જ મઝા હતી. કારણકે ના તો પિક્ચરો કાંઇ એવા મહાન હતાં કે ના તો રાજશ્રી એકદમ સાફ સુથરૂં હતું !
શું એ મિત્રોનો સંગાથ હતો, કે બાળપણની નિર્દોષતા કે પ રૂપિયાનો ભાવ!? આજે INOX માં એકદમ આદ્યતન સુવિધાઓમાં પણ એવી મઝા નથી.

દરેક ડાઇલોગનું તો હિન્દીમાં ભાષાંતર થતું જ પણ નામ પણ હિન્દીમાં આવતા.
દા.ત.
True Lies - सच्चा झुठ.
Jingle all the way -खीलोने के चाहत बनी पापा की आफत
Tomorrow Never Dies- कल कभी नहि मरता.
આજે હિન્દી નામ થોડા રમુજી લાગે છે પણ ત્યારે તો એકદમ સહજ લાગતાં.

મને બરાબર યાદ છેકે "મેટ્રીક્સ" (મને એનું હિન્દી નામ યાદ નથી) મુવી આવેલું અને અમારા માંથી એક મિત્ર બધા કરતાં એકાદ અઠવાડિયું વહેલા ગયલો, મેં એને પૂછ્યું કે કેવું છે ? એણે કહ્યુંકે મને તો કાંઇ ખબર ના પડીકે શું ચાલી રહ્યું છે અને મેં એકદમ સહજતાથી પૂછ્યુંકે, કેમ હિન્દીમાં નહોતું ? અને જવાબ મળ્યોકે. "સાલું હિન્દીમાં હતું તો પણ ખબર ના પડી !!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો