શુક્રવાર, 4 ડિસેમ્બર, 2009

સગાવહાલાનાં લગ્નપ્રસંગે કરેલ ૨-૩ અવલોકનો

હમણાં હું અઠવાડિયા માટે વડોદરા ગયો હતો. અને લગ્નની ઋતુ હતી. અઠવાડિયામાં મારા સગાવહાલાઓમાં એક મુંબઈ , એક અમદાવાદ અને લગભગ ૨-૩ લગ્ન વડોદરામાં હતા. આમ હું અઠવાડિયામાં ઘણાં બધાં લગ્નમાં મહાલી આવ્યો. આપણે ત્યાં બધા જ લગ્નમાં બેન્ડ વાજાવાળા હોય જ. જો બેન્ડ વાજાવાળા ના હોય તો જાન આવી એમ ખબર જ કેમ પડે ?
મને બેન્ડ વાજા સામે કોઈ જ વાંધો નથી, માત્ર મને વાંધો છે, એમના ભયંકર બેસુરા ગાયકો સામે અને અત્યંત ઘોંઘાટિયા વાજિંત્રો સામે. પણ ચાલો આપણે સ્વીકારી લઈએ કે દરેક લગ્નમાં કાંઈ લતા મંગેશકર કે કિશોર કુમાર જેવા સુરીલા ગાયકો મળે નહિ.

પણ બધા બેન્ડ વાજાવાળાઓને એવું મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હોય છે કે બધા જાનૈયાઓ તો બહેરા જ હોય, અને મેં ઘણી બધી જગ્યાએ નોંધ્યું છે કે ખરેખર તેઓ બહેરા જ હોય છે. ભૂલે ચુકે કોઇ બેન્ડવાજાવાળાં વાંજિત્રો કર્ણપ્રિય રીતે વગાડતાં હોય તો, જાનૈયાઓ કહેકે ભાઇ તને પૈસા શેને માટે આપ્યા છે ? ગુજરાતીઓને તો એમ કે જેમ વધું ઘોંઘાટ એમ વધુ પૈસા વસુલ !!

મને સૌથી વધુ નવાઈ તો એમના ગીતોની પસંદગીની આવે છે. પ્રત્યેક લગ્નમાં મને તો નીચેનાં ગીતો સાંભળવા મળે છે.
૧.मेरे राजाकी आयेगी बारात
૨. તારી આંખનો અફીણી
આ ગીતોની પસંદગી તો ધણી વાજબી છે. પરંતુ
--> यह देश है वीर जवानो का ??
મને હમણાં સુધી તો કોઇજ પ્રકારે સમજ પડતી નહોતી કે લગ્નમાં આ ગીત શેને માટે? પરંતુ આ વખતે જ મારા એક નવપરિણિત મિત્રએ મને જણાવ્યું કે, લગ્ન કરવા માટે ઘણી વધારે હિમ્મત જોઇએ અને વરરાજાની હિમ્મતની કદર કરવા માટે જ આ ગીત વગાડવામાં આવે છે. :-)