મંગળવાર, 17 માર્ચ, 2009

આ લખાણ શા માટે ? કોને માટે ?

પ્રથમ સવાલ એ છે કે હું શા માટે બ્લોગ લખી રહ્યો છું ?

ઘણા કારણો :

૧. ગુજરાતી ભાષા જોડે નો સંબંધ જાળવી રાખવા. હું ઘણા વર્ષોથી ગુજરાતની બહાર વસવાટ કરી રહ્યો છું. મારા મોટા ભાગના મિત્રો ગુજરાતી જાણતા નથી માટે મારો ગુજરાતી જોડેનો સંબંધ માત્ર સગા સંબંધી પુરતો મર્યાદિત છે. મારી ગુજરાતી પર કોઇ દિવસ સારી પકડ હતી નહીં અને આટલા વર્ષો ગુજરાતની બહાર રહ્યા પછી એ પણ જતી રહ્યી છે.

૨. હૈયાવરાળ કાઢવા કે પોતાનો ગુસ્સો ઠાલવવા માટે બ્લોગ ઉત્તમ જગ્યા છે.

૩. પ્રસિદ્વિ મેળવવા -- કદાચ ઘણા લોકો મારો બ્લોગ વાંચશે તો મને નામના મળશે.

૪. મુખ્ય કારણ તો છે કે મને ગુજરાતીમાં વાર્તાલાપ કે ચર્ચા કરવા ની ખૂબ ટેવ હતી, અને મને બહુ મઝા આવતી. સંજોગવશાત્ હવે એ શક્ય નથી માટે એની અવેજી માં આ બ્લોગ લખીશ.

૫. ૧૦ - ૧૫ વરસ પછી આ બ્લોગ વાંચવાની બહુ મઝા આવશે. મારા વિચારો સમયની સાથે કેવી રીતે બદલાયા તેની આ નોંધ બની રહેશે.


અહીં હું માત્ર મારા અંગત વિચારો પ્રગટ કરી રહ્યો છું, કોઇને મારા વિચારો વાંધાજનક લાગે તો બ્લોગ ન વાંચવા વિનંતી.અહીં ચિતરાયેલા પ્રસંગો સત્ય હોય એવું જરૂરી નથી . મોટા ભાગની ઘટનાઓ માત્ર મારી કલ્પનામાં બની હશે તો બાકીની મિત્રો ની કલ્પનામાં. પ્રત્યેક જગ્યાએ મીઠું મરચું ભભરાવામાં આવેલ હશે અને અતિશયોક્તિ અલંકાર નો છુટપૂર્વક ઉપયોગ હશે.

હું અંહી પ્રથમવાર મારી માતૃભાષા માં લખાણ કરી રહ્યો છું. અત્યારે તો મારી ઝડપ ઘણી ધીમી છે. થોડી વાર પછી ટેવાઇ જવાશે અને હું પ્રમાણમાં સારી ઝડપે લખી શકીશ એવી આશા છે.