શુક્રવાર, 4 ડિસેમ્બર, 2009

સગાવહાલાનાં લગ્નપ્રસંગે કરેલ ૨-૩ અવલોકનો

હમણાં હું અઠવાડિયા માટે વડોદરા ગયો હતો. અને લગ્નની ઋતુ હતી. અઠવાડિયામાં મારા સગાવહાલાઓમાં એક મુંબઈ , એક અમદાવાદ અને લગભગ ૨-૩ લગ્ન વડોદરામાં હતા. આમ હું અઠવાડિયામાં ઘણાં બધાં લગ્નમાં મહાલી આવ્યો. આપણે ત્યાં બધા જ લગ્નમાં બેન્ડ વાજાવાળા હોય જ. જો બેન્ડ વાજાવાળા ના હોય તો જાન આવી એમ ખબર જ કેમ પડે ?
મને બેન્ડ વાજા સામે કોઈ જ વાંધો નથી, માત્ર મને વાંધો છે, એમના ભયંકર બેસુરા ગાયકો સામે અને અત્યંત ઘોંઘાટિયા વાજિંત્રો સામે. પણ ચાલો આપણે સ્વીકારી લઈએ કે દરેક લગ્નમાં કાંઈ લતા મંગેશકર કે કિશોર કુમાર જેવા સુરીલા ગાયકો મળે નહિ.

પણ બધા બેન્ડ વાજાવાળાઓને એવું મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હોય છે કે બધા જાનૈયાઓ તો બહેરા જ હોય, અને મેં ઘણી બધી જગ્યાએ નોંધ્યું છે કે ખરેખર તેઓ બહેરા જ હોય છે. ભૂલે ચુકે કોઇ બેન્ડવાજાવાળાં વાંજિત્રો કર્ણપ્રિય રીતે વગાડતાં હોય તો, જાનૈયાઓ કહેકે ભાઇ તને પૈસા શેને માટે આપ્યા છે ? ગુજરાતીઓને તો એમ કે જેમ વધું ઘોંઘાટ એમ વધુ પૈસા વસુલ !!

મને સૌથી વધુ નવાઈ તો એમના ગીતોની પસંદગીની આવે છે. પ્રત્યેક લગ્નમાં મને તો નીચેનાં ગીતો સાંભળવા મળે છે.
૧.मेरे राजाकी आयेगी बारात
૨. તારી આંખનો અફીણી
આ ગીતોની પસંદગી તો ધણી વાજબી છે. પરંતુ
--> यह देश है वीर जवानो का ??
મને હમણાં સુધી તો કોઇજ પ્રકારે સમજ પડતી નહોતી કે લગ્નમાં આ ગીત શેને માટે? પરંતુ આ વખતે જ મારા એક નવપરિણિત મિત્રએ મને જણાવ્યું કે, લગ્ન કરવા માટે ઘણી વધારે હિમ્મત જોઇએ અને વરરાજાની હિમ્મતની કદર કરવા માટે જ આ ગીત વગાડવામાં આવે છે. :-)

શનિવાર, 6 જૂન, 2009

અટક .... એક વિશ્લેષણ

હું થોડા વર્ષો પહેલાં એમ માનતો કે વ્યક્તિ ની અટક પરથી એ કયાંથી છે, એની માતૃભાષા કઇ તે જાણી શકાય.

અમુક સામાન્ય નિયમો અને અટકો..

---> ....કર એટલે મરાઠી. દા.ત. તેંદુલકર, ગાવસ્કર, મંગેશકર વગેરે વગેરે.
---> પટેલ , શાહ , ગાંધી , મોદી વગેરે ગુજરાતી
---> ગુપ્તા, પાંડે , ચૌરસિયા વગેરે ઉત્તર પ્રદેશ થી કે હિંદીભાષી.

અમુક અટક ધારીઓ સર્વવ્યાપી છે.
દા.ત. જોષી -- ગુજરાત માં , મહારાષ્ટ્રમાં ( મનોહર જોષી) , ઉ.પ્ર. માં ( મુરલી મનોહર જોષી ) ,
કર્ણાટકમાં ( સુનીલ જોષી) .
તે જ પ્રમાણે શુક્લા પણ ઘણી જગ્યા એ જોવા મળે.

જોકે આગળ જતા મારી આ માન્યતા કડડભૂસ થઇ ગઇ.
૧૯૯૭ માં કર્ણાટકમાં મુખ્યમંત્રી પટેલ બન્યા. જોકે મને સૌથી વધુ આઘાત લાગ્યો જ્યારે હું ઇજનેરી કોલેજ ગયો (REC) અને મારીમુલાકાત એક સરદારજી સાથે થઇ જેની અટક હતી .... ગાંધી.

આ ગાંધી અન્ય સરદારજીઓની માફક એકદમ દિલદાર માણસ છે. જ્યારે જયારે મારા મિત્ર ગાંધીને યાદ કરું ત્યારે ત્યારે મને નીચેનો પ્રસંગ અચૂક યાદ આવે.

સામાન્ય રીતે એન્જીનીયરીંગ કોલેજમાં આમે છોકરીઓની તંગી હોય છે. અને REC માં તો એકદમ ઓછી. ગાંધી ના વર્ગમાં ત્રણ છોકરીઓ હતી. અને ગાંધી કાયમ એ ત્રણ છોકરી ઓ સાથે ફરતો. માટે છાત્રાલયમાં એ છોકરીઓ Gandhi's Angles (like Charlie's Angles) તરીકે ઓળખાતી. મને થાય કે જો ગાંધીજી આ સાંભળે તો ગાંધીજી will be rotating in his grave at 2000 rpm.

ગુજરાતી ભાષાની બે વિશેષતાઓ

ગુજરાતી ભાષા ની અમુક વિશેષતાઓ જે મારી નજરે ચઢી છે તે અહીં યા નોંધી રહ્યો છું.

૧. માત્ર ગુજરાતીમાં "અમે" અને "આપણે", બે અલગ અલગ સર્વનામ છે. હિન્દીમાં, અંગ્રેજીમાં કે અન્ય કોઇ ભાષામાં બે અલગ શબ્દો હોય એવું મારી જાણમાં આવ્યું નથી.

૨. ગુજરાતીમાં --- સગાવહાલા શબ્દ પ્રચલિત છે, કારણકે... જે સગા હોય છે તે વહાલા હોતા નથી તેજ પ્રમાણે જે વહાલા હોય છે તે સગા બની શકતા નથી. :-)

... (વધુ રસિક ભાગ આવતા અંકે )

જો મારા સિવાય કોઇ આ વાંચતુ હોય અને એમને આ યાદી માં ઉમેરો કરવો હોય તો મારો સંર્પક કરવા વિનંતી.

મંગળવાર, 17 માર્ચ, 2009

આ લખાણ શા માટે ? કોને માટે ?

પ્રથમ સવાલ એ છે કે હું શા માટે બ્લોગ લખી રહ્યો છું ?

ઘણા કારણો :

૧. ગુજરાતી ભાષા જોડે નો સંબંધ જાળવી રાખવા. હું ઘણા વર્ષોથી ગુજરાતની બહાર વસવાટ કરી રહ્યો છું. મારા મોટા ભાગના મિત્રો ગુજરાતી જાણતા નથી માટે મારો ગુજરાતી જોડેનો સંબંધ માત્ર સગા સંબંધી પુરતો મર્યાદિત છે. મારી ગુજરાતી પર કોઇ દિવસ સારી પકડ હતી નહીં અને આટલા વર્ષો ગુજરાતની બહાર રહ્યા પછી એ પણ જતી રહ્યી છે.

૨. હૈયાવરાળ કાઢવા કે પોતાનો ગુસ્સો ઠાલવવા માટે બ્લોગ ઉત્તમ જગ્યા છે.

૩. પ્રસિદ્વિ મેળવવા -- કદાચ ઘણા લોકો મારો બ્લોગ વાંચશે તો મને નામના મળશે.

૪. મુખ્ય કારણ તો છે કે મને ગુજરાતીમાં વાર્તાલાપ કે ચર્ચા કરવા ની ખૂબ ટેવ હતી, અને મને બહુ મઝા આવતી. સંજોગવશાત્ હવે એ શક્ય નથી માટે એની અવેજી માં આ બ્લોગ લખીશ.

૫. ૧૦ - ૧૫ વરસ પછી આ બ્લોગ વાંચવાની બહુ મઝા આવશે. મારા વિચારો સમયની સાથે કેવી રીતે બદલાયા તેની આ નોંધ બની રહેશે.


અહીં હું માત્ર મારા અંગત વિચારો પ્રગટ કરી રહ્યો છું, કોઇને મારા વિચારો વાંધાજનક લાગે તો બ્લોગ ન વાંચવા વિનંતી.અહીં ચિતરાયેલા પ્રસંગો સત્ય હોય એવું જરૂરી નથી . મોટા ભાગની ઘટનાઓ માત્ર મારી કલ્પનામાં બની હશે તો બાકીની મિત્રો ની કલ્પનામાં. પ્રત્યેક જગ્યાએ મીઠું મરચું ભભરાવામાં આવેલ હશે અને અતિશયોક્તિ અલંકાર નો છુટપૂર્વક ઉપયોગ હશે.

હું અંહી પ્રથમવાર મારી માતૃભાષા માં લખાણ કરી રહ્યો છું. અત્યારે તો મારી ઝડપ ઘણી ધીમી છે. થોડી વાર પછી ટેવાઇ જવાશે અને હું પ્રમાણમાં સારી ઝડપે લખી શકીશ એવી આશા છે.