સોમવાર, 18 જાન્યુઆરી, 2010

રાજશ્રી સિનમા ગૃહ -ભાગ ૨

મને થોડું મનોમંથન કર્યા પછી ખ્યાલ આવ્યોકે નવા "મલ્ટીપ્લેક્સીસ"માં કેમ રાજશ્રી જેવો આનંદ નથી.

૧. પ્રત્યેક ચલચિત્ર ચાલુ થાય પણ જયાં સુધી, પ્રેક્ષકોમાંથી કોઇ બૂમોના પાડે "લાઇટ !! લાઈટ !! " ત્યાં સુધી વીજળીની બત્તીઓ ચાલુ રાખવી તે રાજશ્રીના કારકૂનતો જન્મસિધ્ધ હક હતો. અમારા માટે તો આ હક છિનવી લેવો એ પરમાનંદ હતો :-)

૨. રાજશ્રીમાં મેં લગભગ ૧૦૦ થી વધારે ચલચિત્રો જોયા હશે, પરંતું દરેકે દરેક ચલચિત્ર વખતે પહેલી જાહેરાત તો હંમેશા જ નિરમા સુપર ની જ આવતી અને અમારી આખી મિત્રોની ટુકડી બૂમો પાડી પાડીને એની મઝા લેતા.
મને હજી સુધી એ આખી જાહેરાત યાદ છે, એના શબ્દો તો એવા યાદ છે કે ,જાણે હજી ગઇકાલે જ એ જાહેરાત જોઇ હોય. જાહેરાત ના વર્ણનમાં કોઇ ખામી હોવાની સંભાવના ઓછી છે પરંતું શૂન્ય નથી.
દિપીકા ચિખાલિયા, ( જેમેણે , રામાયણમાં સીતા તરીકે અભિનય કર્યો હતો)એક દુકાનમાં ચાલી આવે છે, સફેદ રંગની સાડી અને ભૂરા રંગની કિનાર છે. સાબુની જાહેરાત હોવાને લીધે સફેદ રંગ ખરેખર સફેદ છે, અને આંખોમાં અથડાય એટલો ચમકે છે.
દુકાનદારે, (મોટેભાગે) ખાદીના કપડ પહેરેલા છે પણ તે સાડી જેટલા ચમકતા નથી.પાછળ દુકાનમાં મોટાભાગની જગા નિરમાના સાબુએ રોકેલી છે, અને જેવી દુકાનદારની નજર દિપીકાજી પર પડે છે કે તરતજ નીચેનો સંવાદ ચાલુ થાય છે.

દુકાનદાર : "आईए, आईए ,दिपीकाजी, लिजेए आपका सब सामान तैयार । "
દિપીકાજી: "ये नही वो ! "
દુકાનદાર : "लेकिन आप तो हमेशा वह महेंगी वाली टिकिया ...."
દિપીકાજી: "लेती थी ...। जब वही झाग , वही सफेदी जब कम दामोमें मिले तो कोई ये क्युं ले ? वह न ले ?"
દુકાનદાર : "मान गये!"
દિપીકાજી: "किसे ? "
દુકાનદાર : "आपकी पारखी नज़र ओर निरमा सुपर दोनोको ।"

કાયમ બૂમો તો પાડીછે, અને ઘણી બધી વાર આગળી હરોળના પ્રેક્ષકોની ગાળો પણ ખાધી છે. પણ એ ગાળો આજની ૧૦૦ રૂપિયાની ધાણી કરતા મીઠી હતી.

કદાચ આવા નિર્દોષ આનંદને લીધેજ એવી મઝા આજે આવતી નથી :-), પરંતુ જૂની પુરાણી યાદો ને વાગોળવાનો પણ આનંદ નિરાળો છે.

ગુરુવાર, 14 જાન્યુઆરી, 2010

ગુજરાતીઓની અમુક વિશેષતા

૧. ગુજરાતીઓ વિશ્વભરમાં એમનાં ધંધાની સૂઝબૂઝ માટે તેમજ કંજુસાઇ માટે જાણીતા છે.
એક વાર રેલ્વે સ્ટેશન પર ગુજરાતી કાકા અને દિલ્હી વાળો માણસ ઝઘડી પડ્યા. નસીબજોગે મારામારી સુધી વાત પહોંચી નહીં પણ બોલાચાલી તો ખૂબ થઇ, દિલ્હી વાળાએ ગુજરાતી પર બહુ આક્ષેપો મુક્યા કે તું મારા પૈસા ખાઈ ગયો ને પછી તો બહુ અભદ્ર ગાળો પણ આપી, અને સામે ગુજરાતી કાકા એ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. અને અંતે દિલ્હીવાળની ટ્રેન નીકળી ત્યારે જ એ શાંત થયો. લોકોનું ટોળું પણ વિખરાઇ ગયું અંતે મારાથી રહેવાયું નહિ અને મેં કાકાને પુછ્યું કે " કાકા, પેલાએ તમને આટ-આટલી ગાળો આપી પણ તમે સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ, એવું કેમ ?"
કાકાએ મને મંદ મંદ મલકાતા ક્યુંકે -- "આપીને ગયો છેને .. ત્યાં સુધી વાંધો નહિ!! "

૨. માત્ર ગુજરાતીઓજ રણમેદાનમાં જતા પહેલા રણનાદ કરે છે -- "જય રણછોડ !"

રાજશ્રી સિનમા ગૃહ - વડોદરા

એક જમાનામાં વડોદરાના દરેક અંગ્રેજી ફિલ્મી રસિયા માટે એક જ સિનેમા ગૃહ હતું --- રાજશ્રી સિનમા ગૃહ

મને નાનપણથી ચલચિત્રોકે (પિક્ચર ) જોવાનો શોખ છે.
પ્રાથમિકમાં ( ૧ થી ૭ ધોરણ ) સુધીતો સહેજ પણ અંગ્રેજી આવડતું નહોતું માટે માત્ર હિન્દી ચલચિત્રો જોતો હતો. પછી ૮માં ધોરણથી થોડા થોડ અંગ્રેજી પિક્ચરો જોવાના ચાલું કર્યા. અંગ્રેજી બરાબર આવડે નહી, અને તેમાં પણ પરદેશીઓનાં ઉચ્ચાર સમજાય નહીં! પણ મારધાડવાળા પિક્ચરો જોતો એટેલે ગાડું ગબડી જતું.
એમાં એકદમ જ ફેરફાર આવ્યો, કારણકે રાજશ્રી સિનેમા ગૃહમાં અંગ્રેજી ચલચિત્રો હિન્દીમાં આવવા લાગ્યા, એટલે મિત્રોમાં પણ એકદમ ઉત્સાહ વધી ગયો, અને અમે લગભગ દર અઠવાડિયે રાજેશ્રીમાં પિક્ચર જોવા લાગ્યા.

બે પ્રકારની ટિકિટો હતી,૧) અપર અને ૨) બાલ્કની. શનિ-રવિના સવારના કાર્યક્રમ માટે અપરનો ભાવ હતો પાંચ રૂપિયા ! કેટલી બધી વાર કોઇ એક મિત્ર ફોન કરીને કહેતો કે ચાલ કાલે પાંચ રૂપિયામાં પિક્ચર જોઇ આવીએ. અને આખી મિત્રોની ટુકડી તૈયાર થઇ જતી. કોઇ પૂછતું પણ કે નહિ કયું સિનેમા ગૃહ કે કયું પિક્ચર !!

પ રૂપિયા એટલે રાજશ્રી ગૃહ ! આજે શાળનાં બધા મિત્રો વિશ્વભરમાં વિખરાઈ ગયા છે. અને હું પણ હવે ઘણા વર્ષોથી વડોદરામાં રાજશ્રીમાં પિક્ચર જોવા ગયો નથી. મને ખબર નથી પણ રાજશ્રીમાં પિક્ચર જોવાની કાંઇ અલગ જ મઝા હતી. કારણકે ના તો પિક્ચરો કાંઇ એવા મહાન હતાં કે ના તો રાજશ્રી એકદમ સાફ સુથરૂં હતું !
શું એ મિત્રોનો સંગાથ હતો, કે બાળપણની નિર્દોષતા કે પ રૂપિયાનો ભાવ!? આજે INOX માં એકદમ આદ્યતન સુવિધાઓમાં પણ એવી મઝા નથી.

દરેક ડાઇલોગનું તો હિન્દીમાં ભાષાંતર થતું જ પણ નામ પણ હિન્દીમાં આવતા.
દા.ત.
True Lies - सच्चा झुठ.
Jingle all the way -खीलोने के चाहत बनी पापा की आफत
Tomorrow Never Dies- कल कभी नहि मरता.
આજે હિન્દી નામ થોડા રમુજી લાગે છે પણ ત્યારે તો એકદમ સહજ લાગતાં.

મને બરાબર યાદ છેકે "મેટ્રીક્સ" (મને એનું હિન્દી નામ યાદ નથી) મુવી આવેલું અને અમારા માંથી એક મિત્ર બધા કરતાં એકાદ અઠવાડિયું વહેલા ગયલો, મેં એને પૂછ્યું કે કેવું છે ? એણે કહ્યુંકે મને તો કાંઇ ખબર ના પડીકે શું ચાલી રહ્યું છે અને મેં એકદમ સહજતાથી પૂછ્યુંકે, કેમ હિન્દીમાં નહોતું ? અને જવાબ મળ્યોકે. "સાલું હિન્દીમાં હતું તો પણ ખબર ના પડી !!"