શનિવાર, 10 એપ્રિલ, 2010

પ્ર.ચુ. વૈદ્યને શ્રદ્ધાંજલિ

ગુજરાતનાં જાણીતા ગણિતશાસ્ત્રી પ્ર. ચુ. વૈદ્ય નું ૧૨ માર્ચ ૨૦૧૦ ના રોજ અમદાવાદમાં નિધન થયું.

હું પ્ર.ચુ. વૈદ્યને કઇ રીતે ઓળખું ?

મારી પ્રથમ ઓળખાણ તો કુમાર સામાયિકનાં "પસ્તીનાં પાનાં"માં. નાનપણથી વાર્તાની ચોપડીઓ અને સામાયિકો વાંચવાનીટેવ. કુમારમાં "પસ્તીનાં પાનાં" સિવાસ બીજા લેખોમાં કાંઇ વધારે ચાંચ ડૂબતી નહીં, પરંતું પસ્તીનાં પાનાં વાંચીને કાયમ બહું આનંદ આવતો. સાચુ કહું તો મારો આ બ્લોગ ચાલુ કરવામાં ઊંડે ઊંડે પસ્તીના પાનાં જ પ્રેરણા રૂપ બન્યા છે અને જો નસીબ હશે તો હું આમાનાં કોઇ લેખને કુમારમાં છપાવવા પ્રયત્ન કરીશ.

મને એમનો એક બંગાળનાં અનુભવનો લેખ હજી યાદ છે. એ બંગાળમાં(લગભગ ૭૦ના દાયકામાં) ગણિતનાં કોઇ કામ અર્થે ગયા હતા અને દુકાનમાં વાસણ ધોવાનો સાબુ ખરીદવા ગયા, દુકાનદાર નેં કહ્યું કે જે સાબુ સારો હોય તે આપ. દુકાન દારે કહ્યું કે "ભીમ" પાવડર બહુ સારો છે અને સૌથી વધુ વેચાય છે. પાંડવના નામનો પાવડર? એમણે ફરીથી દુકાનદારને પૂછ્યું કે "ભીમ" પાવડર ?? દુકાનદારને ઘણી નવાઇ લાગીકે તમે નામ નથી સાંભળ્યું ભીમ પાવડરનું ભી.આઇ.એમ. ... ભીમ પાવડર. પછી પ્ર.ચુ.વૈદ્યને ખ્યાલ આવ્યોકે બંગાળીઓ "વ" ને "ભ" ઉચ્ચારે અને માટે વિમ પાવડરનું "ભીમ" પાવડર થઇ ગયું.

પ્ર.ચુ.વૈદ્ય સાથે મારી પહેલી અને (કમનસીબે છેલ્લી) મુલાકાત ૧૦ ધોરણ પછી આયોજીત એક ગણિત શિબિરમાં થઇ. આજે તો મોટાભાગનાને ગણિત શિબિર સાંભળીને કાંતો નવાઇ લાગશે અથવા હસવું આવશે. ગુજરાત ગણિત મંડળ ૮-૧૨ ધોરણ સુધી રામાનુજન ગણિત સ્પર્ધા યોજે છે. અને એમાં રાજ્યનાં ટોચનાં વિદ્યાર્થીઓ માટે ગણિત નો શિબિર યોજે છે.
મારા સદભાગ્યે હું એમાં પસંદગી પામેલો. અને એ અઠવાડિયું મારા જીવનનું એકદમ યાદગાર અઠવાડિયું રહ્યું.
૭ દિવસ - ૧૫ ગણિતનાં વિદ્યાર્થીઓ અને ૨૪ દાખલા. જીવનમાં કોઇ ચિંતા નહીં, માત્ર ગણિતનાં અત્યંત રસિક કૂટપ્રશ્નો. હું જ્યારે આ શિબિરમાં ગયો હતો ત્યારે મને ખબર નહોતી કે કોણ, કોણ આવશે ત્યાં શીખવાડવા ? પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પ્ર.ચુ.વૈદ્યનું નામ જાહેર થહું ત્યારે મને એકદમ આનંદ થયો. મેં બડાશ મારવા મારી બાજુમાં બેઠેલા એક બીજા ગણિતનાં રસિયાને પૂછ્યું કે પ્ર.ચુ વૈદ્યને ઓળખે છે ? એણે એકદમ વિશ્વાસપૂર્વક કહ્યું કે હા, હું ઓળખું છું. મેં કહ્યુંકે કઇ રીતે ? (મને ખબર હતી કે એ કુમાર સામાયિક નથી વાંચતો), અને મને જવાબ મળ્યો કે પ્ર.ચુ.વૈદ્ય મારા નાના થાય :-)

ત્યારે એમની ઉમ્મર ૮૧ વર્ષની હતી. એકદમ તંદુરસ્ત શરીર અને એનાથી પણ તંદુરસ્ત મન. ૮૧ વર્ષની ઉમ્મરે પણ એમનો ગણિતનો ઉત્સાહ જોઇને હું ઘણો પ્રભાવિત થયેલો.

એ ગણિતના શિબરમાં અમારે કોઇ સાબિતીઓ આપવાની હતી અને મેં ૩ થી માંડીને ૨૯ સુધીની ભાગાકારની ચાવીઓ આપેલી. ( જેની યાદશક્તિ કાચી હોત તેના માટે ... ૩ ની ચાવી : જો કોઇ રકમનાં આંકડાનો સરવાળો ૩ વડે વિભાજ્ય હોય તો તે રકમ પણ ૩ વડે વિભાજ્ય હોય). એમણે શાંતિથી આખી સાબિતી જોઇ અને કહ્યું કે પ્રયત્ન સારો છે પરંતુ મને તો ૪૨ સુધીના ઘડિયા આવડે છે માટે મારે માટે આ બધી સાબિતીઓ બહુ કામની નથી :-)

એમણે એ પણ કહ્યું કે આજકાલની ગણિત શીખવવાની પદ્ધતિમાં શું ખામી છે. એમણે કહ્યુંકે શિક્ષક સામાન્ય રીતે કોઇ નવી રીતનો દાખલો કરી બતાવે અને પછી કહે વિદ્યાર્થીઓને કહે કે હવે નીચેના દાખલા પાટિયા પર લખેલ રીત પ્રમાણે ગણી જાવ. આ પદ્ધતિમાં વિદ્યાર્થીને વિચારવાની તક તો મળતીજ નથી. ૧૦ અલગ પ્રકારની રીતો હોય તો વિદ્યાર્થી કાયમ બધી રીતો યાદ રાખીને કોઇ પણ નવો દાખલો ૧૦માંથી એક રીતે ઉકેલવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીને નવી રીત જાતે વિચારવા પ્રયત્ન કરવો જોઇએ જેથી તેનો ખરેખર માનસિક વિકાસ થાય અને શિક્ષકનું કામ તો માત્ર આંગળી ચીંધવાનું અને પ્રોત્સાહન આપવાનું હોવું જોઇએ.

મને ગણિત ઉપરાંત પણ ખાદીધારી ગણિતશાસ્ત્રી પાસે ધણું બધું શીખવા મળ્યું. ગુજરાતીમાં પોતાનું નામ લખતી વખતે અંગ્રેજી ન વાપરનારા એમના જેવા વ્યક્તિઓ વિરલ હોય છે. ( નામ = પ્ર.ચું વૈદ્ય નહિ કે પી.સી.વૈદ્ય ).

મેં ગણિતનો અભ્યાસ છોડીને ઇજનેરી અભ્યાસ કર્યો પરંતુ, છેલ્લા સાડા ચાર -પાંચ વર્ષથી નોકરીમાં જોડાયા પછી જ્યારે પણ રામાનુજન ગણિત સ્પર્ધા જેવા દાખલા મળે તો ઉકેલવા પ્રયત્ન કરૂં છું. અને મારા સદભાગ્યે મારા ૨-૩ સહકર્મચારીઓને પણ આવા દાખલા ઉકેલવાનો શોખ છે, માટે મારો ગણિતનો પ્રેમ હજી ચાલુ રહ્યો છે.

છાપામાં જ્યારે વાંચ્યું કે પ્ર.ચુ.વૈદ્ય હવે નથી ત્યારે મને ઘણો અફસોસ થયો કે હવે ભાવિ પેઢીને આવા શિક્ષક મળશે નહિ.પ્ર.ચુ.વૈદ્ય એમના સાપેક્ષતાવાદ ના યોગદાન માટે વિશ્વવિખ્યાત છે, પરંતુ મારા જેવા અનેક ગણિત રસિયા તો એમને ગુજરાત ગણિત મંડળ અને સુગણિત દ્વારાજ ઓળખે છે. એમને અનેક રીતે ગણિતને ગુજરાતમાં પ્રચલિત બનાવ્યું છે.

એક ગણિતના વિદ્યાર્થી તરફથી એક ઉમદા ગણિત શિક્ષકને ભાવભીની શ્રંદ્ધાંજલિ. સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે કહેવાશે જ્યારે હું સુગણિતમ્ મંગાવીશ અને નિયમિત રીતે એમાનાં દાખલા ઉકેલીશ.

નોંધ: પ્ર.ચુ.વૈધ પર વધુ માહિતી માટે જુઓ/વાચો.
૧. http://en.wikipedia.org/wiki/P._C._Vaidya
2. http://video.google.com/videoplay?docid=4382862622658562253#

2 ટિપ્પણીઓ:

  1. May be you should also contribute in some columns of 'suganitam'

    If you are still into problem solving, then catch hold of the following book

    http://www.amazon.com/Problem-Solving-Strategies-Problem-Books-Mathematics/dp/0387982191


    the book is available in india for cheap.

    જવાબ આપોકાઢી નાખો
  2. Hey,

    Just stumbled on this today. Good article! Refreshed a lot of memories. Thanks a lot for the video link.

    I think sessions of Dr. P C Vaidya and A R Rao are some of the best Maths lectures I have attended!

    જવાબ આપોકાઢી નાખો