શુક્રવાર, 9 એપ્રિલ, 2010

જાપાન પ્રવાસ ભાગ -૨



જાપાન માં હું કામ માટે ૩-૪ દિવસ હતો. મને મારા કાર્યાલયનાં ઉપરીએ કહ્યું હતું કે અહીંથી સોમવારે રાત્રે વિમાન પકડજે, ત્યાં બુધ-ગુરૂ-શુક્ર ત્રણ દિવસમાં બધું કામ પતાવીને શનિવારે પાછો આવજે. મેં ઉપરીનેં કહ્યું કે હું આટલો દૂર જવું છું તો પછી હું ત્યા ૪-૫ દિવસ તો ફરીશજ અને હું મારા જ ખર્ચે રહીશ. અંતે રકઝક પછી એમણે કહ્યું કે શનિ-રવિ ફરજે અને સોમવારે પાછો આવજે.

મેં કામમાંથી ૨ દિવસની રજા (રજા એટલેકે શનિ -રવિ ની રજા ) લઇને મારા પોતાન ખર્ચે ટોકિયોમાં રહીને ફરવાનો નિશ્ચય કર્યો.

ઓફિસ તરફથી તો હું મોંઘામાંની ફાઇવ સ્ટાર હોટેલ ( હિલટન ટોકિયોમાં) ઊતરેલો, પરંતુ પોતાન ખર્ચે રહેવાનું થયું તો મેં એક સસ્તી ધર્મશાળાકે છાત્રાલય (Dormitory) શોધી નાખ્યું. સસ્તી એટલે એવી પણ કાંઇ સસ્તી નહોતી. ભારતીયોને તો બધું પરેદશમાં મોંઘું જ લાગે. એક મોટો ઓરડો અને ૫૬ જણ. સ્ત્રી /પુરુષ બન્ને માટે એક જ ઓરડો હતો :-).

શનિવારે સવારે મેં મારો બધો સામાન હિલ્ટનમાંજ રાખી દીધો અને હું ત્યાંના પર્યટન વિભાગમાં જઇને પૂછવા લાગ્યો કે એ લોકો એકાદ દિવસ માટે કોઇ પ્રવાસ ગોઠવી શકે કે નહી. હું ત્યાં થોડી પૂછપરછ માં અટવાયેલો હતો ત્યારે કોઇ ભારતીય દેખાતા ભાઇ એ મને અંગ્રેજીમાં પૂછ્યું કે શું હું ભારતથી છું ? અને મારો હકારાત્મક જવાબ સાંભળીને એમણે મને કહ્યું કે હોટેલ તરફથી ગોઠવેલો પ્રવાસ ઘણો મોંઘો હશે અને એમણે મને કહ્યું કે જો મને વાંધો ન હોય તો આપણે જોડે ફરીએ. મને આમે એકલા ફરવાનો કંટાળો આવે, એટલે મેં ભારતીય વડીલને કહ્યું કે ચાલો જોડેજ ફરીએ (એમની ઉમ્મર ૪૦-૪૫ ની આજુ બાજુ હશે)

થોડો વખત એમની જોડે વાત કર્યા એમની બોલવાની લઢણ પછી મને લાગ્યું કે એ કદાચ ગુજરાતી હશે, અને મારો અંદાજ સાચો પડ્યો. એ એકદમ પાકા ગુજરાતી નીકળ્યા, ધંધુકા પાસેના કોઇ નાના ગામ માં ઉછરેલા, અને ૧૯૮૦ ના દાયકા થી અમેરિકામાં વસવાટ કરે છે. અને એ પણ હું જે અમેરિકન પેઢીનાં કાર્યાલયમાં કામ કરૂં છું, એની અમેરિકાની શાખામાં જ કામ કરે છે. પછી તો અમે ઘણાં વિષયો પર વિગતવાર ચર્ચા કરી.. ગુજરાતી સાહિત્ય થી માંડી અમેરિકાની શિક્ષણ પદ્ધતિ સુધી.

મેં નાનપણમાં ક્યારે ય વિચાર્યું નહોતું કે ક્યારે ય હું જાપાનમાં રખડીશ. અને એ તો મેં સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું કે હું જાપાનાની મેટ્રોમાં કલાપી ના કેકારવ અને પાટણની પ્રભુતા પર કોઇ અજાણ્યાં વ્યકિત જોડે ચર્ચા કરીશ.

એ ૨ દિવસ જાપાનમાં રખડતા રખડતા મને જાપાન અને ભારત વચ્ચેની કેટલીક સમાનતાઓ અને ઘણાં તફાવતો નજરે પડ્યા. બન્ને દેશ, એકદમ ગીચ વસ્તી વાળા દેશ છે. બન્ને દેશમાં, વડીલો અને મહેમાનો ને બહુ આદરભાવ આપવામાં આવે છે. બન્ને દેશ, ૧૯૪૭ ની આજુબાજુ એકદમ પાયમાલ થઇ ગયા હતા. ( ભારત અંગ્રજોની ગુલામી માં અને જાપાન બીજા વિશ્વયુદ્ધમાં ). બન્ને દેશની રેલ્વે વ્યવસ્થામાં પણ અમુક સમાનતા મને દેખાઇ (વિશ્વાસ ન આવે એવી બાબત છે માટે જુઓ નીચેની ૨-૩ તસવીરો).




પરંતુ અમુક ભિન્નતાઓ તો આંખે ઊડીને વળગી, એકે તો ત્યાંનો શાકાહરી ખોરાક :-)અને બીજી ત્યાંની ચોખ્ખાઇ. ત્યાંની સસ્તામાં ની ધર્મશાળા જયાં હું રહેલો ત્યાં પણ ભયંકર ચોખ્યાઇ હતી, ભારતમાં આવી ચોખ્ખાઇ ક્યારે આવશે ?
બીજો તફાવત તો .. બન્ને દેશોએ એ ૧૯૪૫/૪૭થી પ્રગતિની દિશામાં પગલાં ભરવાની શરૂઆત કરી અને આજે ક્યાં છે જાપાન અને ક્યાં છે ભારત ?. એ ખાબોચિયા જેવા દેશની અર્થવ્યવસ્થા દુનિયામાં બીજા ક્રમે છે અને ભારતની અર્થવ્યવસ્થાને તો ક્યાં ય મૂકી દે એવી છે .
જાપાનની અદ્ભૂત પ્રગતિનું શું રહસ્ય? હું કાઇ અર્થશાસ્ત્રી નથી, અને મેં કાઇ એના વિશે ખાસ સંશોધન પણ કર્યું નથી, મારો અભિપ્રાય મારા સીમિત પુસ્તકિયા જ્ઞાન અને મારા અઠવાડિયાના પ્રવાસ અનુભવ પરથી બંધાયેલો છે. જાપાને મૂડીવાદી વ્યવસ્થા અપનાવી જ્યારે ભારતે સમાજવાદી વ્યવસ્યા અપનાવી, જાપાને મુક્ત બજારને પ્રોત્સાહન આપ્યું જ્યારે ભારતે બજાર પર ભંયકર નિયંત્રણો લાદયાં અને "લાઇલન્સ રાજ " આણ્યું. આજે ૬૦ વર્ષ પછી આપણે ઘણાં વિશ્વાસ થી કહી શકીએ છીએ કે મૂડીવાદી વ્યવસ્થા નહીં અપનાવવાની ભારતની મોટી ભૂલ હતી, પરંતુ ૧૯૪૦ નાં દાયકામાં બન્ને વ્યવસ્થાનાં પોતાનાં આગવા ફાયદા દેખાતાં હતાં. અને કોઇને ખબર નહોતી કે મૂડીવાદ અને નહિવત્ નિંયત્રણો વાળા મુક્ત બજરો થી ભારત વધુ પ્રગતિ કરશે.(૨૦૦૮ ની વૈશ્વિક મંદી પછી મૂડીવાદ અને મુક્ત બજાર પહેલા જેટલ આર્કષક નથી દેખાત :-) )કેટલાક લોકો કહેશેકે જાપાનમાં એક જ ભાષા હતી અને આપણી પાસે દેશના અંદોરોઅંદરનાં વ્યહવાર માટે પણ આપણે અંગ્રેજીનો સહારો લેવો પડતો પરંતુ મારો અલગ અભિપ્રાય છે.

જાપાન અને ભારતનાં લોકો વચ્ચે જે મોટો ફરક હોય તો તે પ્રામાણિકતા અને કામ પ્રત્યેની નિષ્ઠાનો. જાપાનમાં જો તમે રસ્તાની વચ્ચોવચ્ચ તમારૂં પાકીટ મૂકો અને તો પણ તમને બીજે દિવસે ત્યાં જ મળશે, જો કોઇ રાહદારીની નજર તમારા પાકીટ પર પડી હોય તો તે માત્ર ઉપાડીને બાજુમાં સલામત જગ્યાએ મૂકી દેશે. જ્યારે ભારતમાં તમારૂં પાકીટ, તમારા ખીસામાં પણ સલામત નથી. જાપાની લોકો કામ ભયંકર નિષ્ઠાથી કરશે. કામચોરી જેવો શબ્દ એમના શબ્દકોશમાં જડશેજ નહીં અને કાર્યાલયમાં જઇને ચરી ખાવું એવો વિચાર પણ લોકોને સ્વપ્નમાં આવે નહીં. જો તમે એક પણ ભારતીય સરકારી વિભાગની મુલાકાત લીધી હોય તો મારે અહીં કશું કહેવાની જરૂર નથી.જો ભારતીય સરકારી કર્મચારી તમને અડધા કલાકનાં કામ માટે ૪ ધક્કા ન ખવડાવે તો એને ખાવાનું ન પચે (કદાચ ભારતમાં સરકાર કાર્યાલયની મુલાકાત પર અલગ લેખ લખીશ). આજ કાલ નાં મારા જેવા ભારતીય નવજુવાનિયાં કાર્યાલયમાં ૧૦-૧૨ કલાક કાઢે તો છે પણ નિષ્ઠાપૂર્વક કામ તો માત્ર ૪-પ કલાક પણ ભાગ્યેજ કરતા હશે. (હું પણ કદાચ આમાંથી બાકાત નથી).જાપાનનાં લોકો સખત મહેનતથી આગળ આવ્યાછે અને મારો ત્યાંનો અનુભવ મને હંમેશા મારી કાર્ય ક્ષમતા વધારવા પ્રોત્સાહિત કરે એવી પ્રભુ ને હું પ્રાર્થના સાથે હું મારો આ લેખ પૂરો કરૂં છું.

નોંધ: એવું પણ નથીકે હું એમ માનું છુંકે જાપાનની અર્થવ્યવસ્થા અને લોકોમાં કોઇ ખામી નથી, અને બધા ભારતીયો કામચોર છે પણ માત્ર આપણે જાપાનનાં લોકો પાસે ઘણું શીખી શકીએ એમ છીએ.

8 ટિપ્પણીઓ:

  1. tari ghani badhi vaato sathe sammat thau chhu. bharat na loko ne bas emno aadsu swabhav j nade chhe, nahi to bharat ni pragati pan japan sathe sari evi sarkhavi sakay.

    જવાબ આપોકાઢી નાખો
  2. Tu ganu saru gujarati lakhi jane chhe... Mare to amuk sabdo no reverse anuvad karvo padyo... hahaha...

    જવાબ આપોકાઢી નાખો
  3. સર્વને
    મને ઘણો આનંદ થયો કે બધાને મારો લેખ ગમ્યો. હું બધાનો હાર્દિક આભાર માનું છું. મને તો એવી છાપ હતી કે લાંબો લેખ લખશે તો કોઇને વધારે વાંચવાની ઇચ્છા નહિ થાય.

    નેહલ
    આમનાં મોટા ભાગનાં શબ્દો તને ૯ -૧૦માં ધોરણમાં આવડતા હશે પરંતુ હવે આટલા વર્ષોથી પરદેશ રહ્યો છે અને ગુજરાતી જોડેનો સંબંધ છૂટી ગયો છે એટલે તને બધા શબ્દો નવા નવા લાગે છે .

    જવાબ આપોકાઢી નાખો