રવિવાર, 7 માર્ચ, 2010

મારો જાપાન નો પ્રવાસ ભાગ -૧

કાર્યાલયમાંથી થોડા સમય પહેલાં મારે અઠવાડિયા માટે જાપાન જવાનું થયું હતું.

હું આમ તો દેશ/પરદેશ થોડું ઘણું ફરેલો છું એટલે પરદેશની એટલી બધી નવાઇ તો નહોતી પરંતુ ભારતથી પૂર્વ તરફ જાપાન જેટલો દૂર તો પહેલી વાર જવાનું હતું એટલે નવા પ્રકારના અનુભવો થશે તેની ખાતરી હતી. હું પાછો શુધ્ધ શાકાહારી એટલે થોડી ઘણી ખાવાની તકલીફ પણ પડવાની હતી એ ખબર હતી. મારા એક સહકર્મચારી જે શાકાહારી છે અને નિયમિત દર મહિને બે મહિને જાપાનનો પ્રવાસ ખેડે છે એમની વચ્ચે અને મારી વચ્ચે જતા પહેલા, નીચે પ્રમાણે વાતચીત થઇ.

સહકર્મચારી: "શું તું શાકાહારી છું?

હું : "હા. એકદમ શુધ્ધ શાકાહારી."

સહકર્મચારી: "ઇંડા પણ નથી ખાતો?"

હું : "ના. અને બને તો ઇંડાવાળી કેક ખાવાનું પણ ટાળું છું"

સહકર્મચારી: "તો પછી તને ખાવાની થોડી ઘણી તકલીફ પડશે જ. અહીંથી મેગી કે એના જેવી ખાવાની ચીજ વસ્તુઓ લઇ જવાની આળસ ન કરતો. કારણકે જાપાનીઝ લોકોને ખબર અંગ્રેજી ખાસ આવડતું નથી તને પૂછીને ખબર નહી પડે કે વાનગી શાકાહારી છે કે નહીં."

હું : "સારૂં, લઇ જઇશ પરંતુ મારે કોઇ જાપાનીશ વાનગી ખાવી હોય તો શું કરૂં ? આટલો દૂર જવું છું તો એકાદ વાર ચાખવાની ઇચ્છા તો ખરી."

સહકર્મચારી: "તારે ત્યાંની ખાવી હોય તો પહેલા તો પૂછજે કે શાકાહારી છે? અને ખાસ તો એ યાદ રાખજે કે ભારતીયોની અને જાપાનીઓની શાકાહારની વાખ્યામાં આસમાન જમીનનો ફેર છે. અમુક લોકો માછલી,ઇંડા અને મરઘી બઘાને શાકાહારી ખોરાક જ ગણે છે. ત્યાંની ભારતીયા રેસ્ટોરંટમાં પણ નાન/રોટીમાં ઇંડા હોય છે."

હું : "માછલી કેવી રીતે શાકાહારી માં ગણાય ? પરંતુ પછી મને ૧૦૦ % ખાતરી કેવી રીતે થાય કે હું શાકાહારી ખાઇ રહ્યો છું."


સહકર્મચારી: "એતો સરળ છે. જાપાનીઝ ખાદ્યપદાર્થને ખાવાના મેજ પર મુકજે અને ૧૦-૧૫ મિનિટ સુધી તેનું સતત અવલોકન કરજે. જો ખોરાક માં કોઇ પ્રકાર નું હલનચલન ન દેખાય તો શાકાહારી સમજી ખાઇ લેજે :-)"



મેં જાપાની વાનગી ખાઘી તેની છબી અહીં આપી છે. અંગ્રજી કહેવત પ્રમાણે એક છબી = ૧૦૦૦ શબ્દો.

સોમવાર, 18 જાન્યુઆરી, 2010

રાજશ્રી સિનમા ગૃહ -ભાગ ૨

મને થોડું મનોમંથન કર્યા પછી ખ્યાલ આવ્યોકે નવા "મલ્ટીપ્લેક્સીસ"માં કેમ રાજશ્રી જેવો આનંદ નથી.

૧. પ્રત્યેક ચલચિત્ર ચાલુ થાય પણ જયાં સુધી, પ્રેક્ષકોમાંથી કોઇ બૂમોના પાડે "લાઇટ !! લાઈટ !! " ત્યાં સુધી વીજળીની બત્તીઓ ચાલુ રાખવી તે રાજશ્રીના કારકૂનતો જન્મસિધ્ધ હક હતો. અમારા માટે તો આ હક છિનવી લેવો એ પરમાનંદ હતો :-)

૨. રાજશ્રીમાં મેં લગભગ ૧૦૦ થી વધારે ચલચિત્રો જોયા હશે, પરંતું દરેકે દરેક ચલચિત્ર વખતે પહેલી જાહેરાત તો હંમેશા જ નિરમા સુપર ની જ આવતી અને અમારી આખી મિત્રોની ટુકડી બૂમો પાડી પાડીને એની મઝા લેતા.
મને હજી સુધી એ આખી જાહેરાત યાદ છે, એના શબ્દો તો એવા યાદ છે કે ,જાણે હજી ગઇકાલે જ એ જાહેરાત જોઇ હોય. જાહેરાત ના વર્ણનમાં કોઇ ખામી હોવાની સંભાવના ઓછી છે પરંતું શૂન્ય નથી.
દિપીકા ચિખાલિયા, ( જેમેણે , રામાયણમાં સીતા તરીકે અભિનય કર્યો હતો)એક દુકાનમાં ચાલી આવે છે, સફેદ રંગની સાડી અને ભૂરા રંગની કિનાર છે. સાબુની જાહેરાત હોવાને લીધે સફેદ રંગ ખરેખર સફેદ છે, અને આંખોમાં અથડાય એટલો ચમકે છે.
દુકાનદારે, (મોટેભાગે) ખાદીના કપડ પહેરેલા છે પણ તે સાડી જેટલા ચમકતા નથી.પાછળ દુકાનમાં મોટાભાગની જગા નિરમાના સાબુએ રોકેલી છે, અને જેવી દુકાનદારની નજર દિપીકાજી પર પડે છે કે તરતજ નીચેનો સંવાદ ચાલુ થાય છે.

દુકાનદાર : "आईए, आईए ,दिपीकाजी, लिजेए आपका सब सामान तैयार । "
દિપીકાજી: "ये नही वो ! "
દુકાનદાર : "लेकिन आप तो हमेशा वह महेंगी वाली टिकिया ...."
દિપીકાજી: "लेती थी ...। जब वही झाग , वही सफेदी जब कम दामोमें मिले तो कोई ये क्युं ले ? वह न ले ?"
દુકાનદાર : "मान गये!"
દિપીકાજી: "किसे ? "
દુકાનદાર : "आपकी पारखी नज़र ओर निरमा सुपर दोनोको ।"

કાયમ બૂમો તો પાડીછે, અને ઘણી બધી વાર આગળી હરોળના પ્રેક્ષકોની ગાળો પણ ખાધી છે. પણ એ ગાળો આજની ૧૦૦ રૂપિયાની ધાણી કરતા મીઠી હતી.

કદાચ આવા નિર્દોષ આનંદને લીધેજ એવી મઝા આજે આવતી નથી :-), પરંતુ જૂની પુરાણી યાદો ને વાગોળવાનો પણ આનંદ નિરાળો છે.

ગુરુવાર, 14 જાન્યુઆરી, 2010

ગુજરાતીઓની અમુક વિશેષતા

૧. ગુજરાતીઓ વિશ્વભરમાં એમનાં ધંધાની સૂઝબૂઝ માટે તેમજ કંજુસાઇ માટે જાણીતા છે.
એક વાર રેલ્વે સ્ટેશન પર ગુજરાતી કાકા અને દિલ્હી વાળો માણસ ઝઘડી પડ્યા. નસીબજોગે મારામારી સુધી વાત પહોંચી નહીં પણ બોલાચાલી તો ખૂબ થઇ, દિલ્હી વાળાએ ગુજરાતી પર બહુ આક્ષેપો મુક્યા કે તું મારા પૈસા ખાઈ ગયો ને પછી તો બહુ અભદ્ર ગાળો પણ આપી, અને સામે ગુજરાતી કાકા એ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. અને અંતે દિલ્હીવાળની ટ્રેન નીકળી ત્યારે જ એ શાંત થયો. લોકોનું ટોળું પણ વિખરાઇ ગયું અંતે મારાથી રહેવાયું નહિ અને મેં કાકાને પુછ્યું કે " કાકા, પેલાએ તમને આટ-આટલી ગાળો આપી પણ તમે સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ, એવું કેમ ?"
કાકાએ મને મંદ મંદ મલકાતા ક્યુંકે -- "આપીને ગયો છેને .. ત્યાં સુધી વાંધો નહિ!! "

૨. માત્ર ગુજરાતીઓજ રણમેદાનમાં જતા પહેલા રણનાદ કરે છે -- "જય રણછોડ !"

રાજશ્રી સિનમા ગૃહ - વડોદરા

એક જમાનામાં વડોદરાના દરેક અંગ્રેજી ફિલ્મી રસિયા માટે એક જ સિનેમા ગૃહ હતું --- રાજશ્રી સિનમા ગૃહ

મને નાનપણથી ચલચિત્રોકે (પિક્ચર ) જોવાનો શોખ છે.
પ્રાથમિકમાં ( ૧ થી ૭ ધોરણ ) સુધીતો સહેજ પણ અંગ્રેજી આવડતું નહોતું માટે માત્ર હિન્દી ચલચિત્રો જોતો હતો. પછી ૮માં ધોરણથી થોડા થોડ અંગ્રેજી પિક્ચરો જોવાના ચાલું કર્યા. અંગ્રેજી બરાબર આવડે નહી, અને તેમાં પણ પરદેશીઓનાં ઉચ્ચાર સમજાય નહીં! પણ મારધાડવાળા પિક્ચરો જોતો એટેલે ગાડું ગબડી જતું.
એમાં એકદમ જ ફેરફાર આવ્યો, કારણકે રાજશ્રી સિનેમા ગૃહમાં અંગ્રેજી ચલચિત્રો હિન્દીમાં આવવા લાગ્યા, એટલે મિત્રોમાં પણ એકદમ ઉત્સાહ વધી ગયો, અને અમે લગભગ દર અઠવાડિયે રાજેશ્રીમાં પિક્ચર જોવા લાગ્યા.

બે પ્રકારની ટિકિટો હતી,૧) અપર અને ૨) બાલ્કની. શનિ-રવિના સવારના કાર્યક્રમ માટે અપરનો ભાવ હતો પાંચ રૂપિયા ! કેટલી બધી વાર કોઇ એક મિત્ર ફોન કરીને કહેતો કે ચાલ કાલે પાંચ રૂપિયામાં પિક્ચર જોઇ આવીએ. અને આખી મિત્રોની ટુકડી તૈયાર થઇ જતી. કોઇ પૂછતું પણ કે નહિ કયું સિનેમા ગૃહ કે કયું પિક્ચર !!

પ રૂપિયા એટલે રાજશ્રી ગૃહ ! આજે શાળનાં બધા મિત્રો વિશ્વભરમાં વિખરાઈ ગયા છે. અને હું પણ હવે ઘણા વર્ષોથી વડોદરામાં રાજશ્રીમાં પિક્ચર જોવા ગયો નથી. મને ખબર નથી પણ રાજશ્રીમાં પિક્ચર જોવાની કાંઇ અલગ જ મઝા હતી. કારણકે ના તો પિક્ચરો કાંઇ એવા મહાન હતાં કે ના તો રાજશ્રી એકદમ સાફ સુથરૂં હતું !
શું એ મિત્રોનો સંગાથ હતો, કે બાળપણની નિર્દોષતા કે પ રૂપિયાનો ભાવ!? આજે INOX માં એકદમ આદ્યતન સુવિધાઓમાં પણ એવી મઝા નથી.

દરેક ડાઇલોગનું તો હિન્દીમાં ભાષાંતર થતું જ પણ નામ પણ હિન્દીમાં આવતા.
દા.ત.
True Lies - सच्चा झुठ.
Jingle all the way -खीलोने के चाहत बनी पापा की आफत
Tomorrow Never Dies- कल कभी नहि मरता.
આજે હિન્દી નામ થોડા રમુજી લાગે છે પણ ત્યારે તો એકદમ સહજ લાગતાં.

મને બરાબર યાદ છેકે "મેટ્રીક્સ" (મને એનું હિન્દી નામ યાદ નથી) મુવી આવેલું અને અમારા માંથી એક મિત્ર બધા કરતાં એકાદ અઠવાડિયું વહેલા ગયલો, મેં એને પૂછ્યું કે કેવું છે ? એણે કહ્યુંકે મને તો કાંઇ ખબર ના પડીકે શું ચાલી રહ્યું છે અને મેં એકદમ સહજતાથી પૂછ્યુંકે, કેમ હિન્દીમાં નહોતું ? અને જવાબ મળ્યોકે. "સાલું હિન્દીમાં હતું તો પણ ખબર ના પડી !!"

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2009

સગાવહાલાનાં લગ્નપ્રસંગે કરેલ ૨-૩ અવલોકનો

હમણાં હું અઠવાડિયા માટે વડોદરા ગયો હતો. અને લગ્નની ઋતુ હતી. અઠવાડિયામાં મારા સગાવહાલાઓમાં એક મુંબઈ , એક અમદાવાદ અને લગભગ ૨-૩ લગ્ન વડોદરામાં હતા. આમ હું અઠવાડિયામાં ઘણાં બધાં લગ્નમાં મહાલી આવ્યો. આપણે ત્યાં બધા જ લગ્નમાં બેન્ડ વાજાવાળા હોય જ. જો બેન્ડ વાજાવાળા ના હોય તો જાન આવી એમ ખબર જ કેમ પડે ?
મને બેન્ડ વાજા સામે કોઈ જ વાંધો નથી, માત્ર મને વાંધો છે, એમના ભયંકર બેસુરા ગાયકો સામે અને અત્યંત ઘોંઘાટિયા વાજિંત્રો સામે. પણ ચાલો આપણે સ્વીકારી લઈએ કે દરેક લગ્નમાં કાંઈ લતા મંગેશકર કે કિશોર કુમાર જેવા સુરીલા ગાયકો મળે નહિ.

પણ બધા બેન્ડ વાજાવાળાઓને એવું મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હોય છે કે બધા જાનૈયાઓ તો બહેરા જ હોય, અને મેં ઘણી બધી જગ્યાએ નોંધ્યું છે કે ખરેખર તેઓ બહેરા જ હોય છે. ભૂલે ચુકે કોઇ બેન્ડવાજાવાળાં વાંજિત્રો કર્ણપ્રિય રીતે વગાડતાં હોય તો, જાનૈયાઓ કહેકે ભાઇ તને પૈસા શેને માટે આપ્યા છે ? ગુજરાતીઓને તો એમ કે જેમ વધું ઘોંઘાટ એમ વધુ પૈસા વસુલ !!

મને સૌથી વધુ નવાઈ તો એમના ગીતોની પસંદગીની આવે છે. પ્રત્યેક લગ્નમાં મને તો નીચેનાં ગીતો સાંભળવા મળે છે.
૧.मेरे राजाकी आयेगी बारात
૨. તારી આંખનો અફીણી
આ ગીતોની પસંદગી તો ધણી વાજબી છે. પરંતુ
--> यह देश है वीर जवानो का ??
મને હમણાં સુધી તો કોઇજ પ્રકારે સમજ પડતી નહોતી કે લગ્નમાં આ ગીત શેને માટે? પરંતુ આ વખતે જ મારા એક નવપરિણિત મિત્રએ મને જણાવ્યું કે, લગ્ન કરવા માટે ઘણી વધારે હિમ્મત જોઇએ અને વરરાજાની હિમ્મતની કદર કરવા માટે જ આ ગીત વગાડવામાં આવે છે. :-)

શનિવાર, 6 જૂન, 2009

અટક .... એક વિશ્લેષણ

હું થોડા વર્ષો પહેલાં એમ માનતો કે વ્યક્તિ ની અટક પરથી એ કયાંથી છે, એની માતૃભાષા કઇ તે જાણી શકાય.

અમુક સામાન્ય નિયમો અને અટકો..

---> ....કર એટલે મરાઠી. દા.ત. તેંદુલકર, ગાવસ્કર, મંગેશકર વગેરે વગેરે.
---> પટેલ , શાહ , ગાંધી , મોદી વગેરે ગુજરાતી
---> ગુપ્તા, પાંડે , ચૌરસિયા વગેરે ઉત્તર પ્રદેશ થી કે હિંદીભાષી.

અમુક અટક ધારીઓ સર્વવ્યાપી છે.
દા.ત. જોષી -- ગુજરાત માં , મહારાષ્ટ્રમાં ( મનોહર જોષી) , ઉ.પ્ર. માં ( મુરલી મનોહર જોષી ) ,
કર્ણાટકમાં ( સુનીલ જોષી) .
તે જ પ્રમાણે શુક્લા પણ ઘણી જગ્યા એ જોવા મળે.

જોકે આગળ જતા મારી આ માન્યતા કડડભૂસ થઇ ગઇ.
૧૯૯૭ માં કર્ણાટકમાં મુખ્યમંત્રી પટેલ બન્યા. જોકે મને સૌથી વધુ આઘાત લાગ્યો જ્યારે હું ઇજનેરી કોલેજ ગયો (REC) અને મારીમુલાકાત એક સરદારજી સાથે થઇ જેની અટક હતી .... ગાંધી.

આ ગાંધી અન્ય સરદારજીઓની માફક એકદમ દિલદાર માણસ છે. જ્યારે જયારે મારા મિત્ર ગાંધીને યાદ કરું ત્યારે ત્યારે મને નીચેનો પ્રસંગ અચૂક યાદ આવે.

સામાન્ય રીતે એન્જીનીયરીંગ કોલેજમાં આમે છોકરીઓની તંગી હોય છે. અને REC માં તો એકદમ ઓછી. ગાંધી ના વર્ગમાં ત્રણ છોકરીઓ હતી. અને ગાંધી કાયમ એ ત્રણ છોકરી ઓ સાથે ફરતો. માટે છાત્રાલયમાં એ છોકરીઓ Gandhi's Angles (like Charlie's Angles) તરીકે ઓળખાતી. મને થાય કે જો ગાંધીજી આ સાંભળે તો ગાંધીજી will be rotating in his grave at 2000 rpm.

ગુજરાતી ભાષાની બે વિશેષતાઓ

ગુજરાતી ભાષા ની અમુક વિશેષતાઓ જે મારી નજરે ચઢી છે તે અહીં યા નોંધી રહ્યો છું.

૧. માત્ર ગુજરાતીમાં "અમે" અને "આપણે", બે અલગ અલગ સર્વનામ છે. હિન્દીમાં, અંગ્રેજીમાં કે અન્ય કોઇ ભાષામાં બે અલગ શબ્દો હોય એવું મારી જાણમાં આવ્યું નથી.

૨. ગુજરાતીમાં --- સગાવહાલા શબ્દ પ્રચલિત છે, કારણકે... જે સગા હોય છે તે વહાલા હોતા નથી તેજ પ્રમાણે જે વહાલા હોય છે તે સગા બની શકતા નથી. :-)

... (વધુ રસિક ભાગ આવતા અંકે )

જો મારા સિવાય કોઇ આ વાંચતુ હોય અને એમને આ યાદી માં ઉમેરો કરવો હોય તો મારો સંર્પક કરવા વિનંતી.